નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે રૂપિયા 3 કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન પારડી સિટી અને ગ્રામ્ય ડીજીઆઈવીસીએલ પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંત્રીએ પારડી નગરપાલિકા વિસ્તારમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત ૧૧ કેવી રિંગ મેઈન યુનિટ (RMU)નું લોકાર્પણ પણ કર્યું હતું.
દેશના 18,000 વીજવિહોણાં ગામોમાં માત્ર બે વર્ષમાં વીજળી પહોંચાડી
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 12 વર્ષથી વીજ સેવાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલું સ્થાન ધરાવે છે. બિપોરજોય વાવાઝોડા સમયે પણ વીજ કંપનીના કર્મીઓએ ખુબ મહેનત કરી માત્ર 72 કલાકમાં વીજ પુરવઠો પ્રસ્થાપિત કર્યો હતો. ડીજીવીસીએલનો વીજ લોસ રેશિયો પણ સૌથી ઓછો છે. વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરેક ગામોમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી. આજે માત્ર ગુજરાત રાજ્ય જ 24 કલાક વીજળી આપે છે. વડાપ્રધાને જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારબાદ દેશના 18,000 વીજવિહોણાં ગામોમાં માત્ર બે વર્ષમાં વીજળી પહોંચાડી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા અંડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે.
22,219 વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે
ગુજરાતના સમગ્ર કાંઠા વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગને કારણે પાવર કટની સમસ્યામાં ઘટાડો થયો છે. વલસાડના ધરમપુર, પારડી અને ઉમરગામમાં રૂપિયા 50 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરવામાં આવી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે. સાથે સાથે પવન અને હાઈડ્રો વીજ ઉત્પાદનમાં ગુજરાતનો સમગ્ર દુનિયામાં મહત્વનો ફાળો છે. નવી પેટા વિભાગીય કચેરી નિર્માણ થવાથી પારડી તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધા વાળી કચેરી અને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે. ગ્રામ્ય પેટા કચેરી હેઠળના 26 ગામના 20,143 અને શહેરી પેટા કચેરીના ચાર ગામો સાથે પારડી નગરપાલિકા વિસ્તારના 22,219 વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે.