પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર અને તેના ગ્રામીણ વિસ્તારોમાં આખરે લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી હતી. સિદ્ધપુર શહેરની સાથે-સાથે ખળી, નેદ્રા, કાકોશી અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.


ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ

આ વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળી હતી. ખેતી પર નભતા ઘરતીપુત્રો માટે આ વરસાદ જીવનદાયી સાબિત થયો હતો. ખરીફ પાકના વાવેતર માટે આ વરસાદ ખૂબ જ જરૂરી હતો. વરસાદ પડતાં ખેડૂતોમાં એક નવી આશાનો સંચાર થયો હતો. હવે તેઓ પોતાની ખેતીની કામગીરીને વેગ આપી શકશે. આ વરસાદ ભૂગર્ભજળના સ્તરને ઊંચો લાવવામાં પણ મદદ કરશે. જે પાણીની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે રાહતરૂપ છે. વરસાદ શરૂ થતાં જ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

વરસાદ વરસતા ઘરતીપુત્રોમાં ખુશી

બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આ વરસાદની મજા માણી હતી. ઘણાં લોકો વરસાદમાં પલળવા માટે બહાર નીકળી પડ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ ઘરની અંદરથી જ વરસાદના મનોરમ્ય દૃશ્યનો આનંદ માણ્યો હતો. હાલમાં પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આશા છે કે આ વરસાદ ખેડૂતોની મહેનતને ફળદાયી બનાવશે અને આ વર્ષે પાકનું ઉત્પાદન સારું થશે. આ વરસાદે સમગ્ર સિદ્ધપુર પંથકમાં ખુશી અને રાહતનું વાતાવરણ સર્જ્યું છે.


  • Follow us on: