પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી નીકળતો ભારતમાલાનો હાઈવે વાહનવ્યવહાર માટે 4થી 5 મહિના પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ હાઈવે પર મોટા તેમજ નાના વાહનો ઝડપથી મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટેશન કરી શકે તે માટે ખોલવામાં આવ્યો હતો, પરંતુ વરસાદમાં સાંતલપુરથી બનાસકાંઠા હદ શરૂ થાય ત્યાં સુધી હાઈવે ધોવાઈ ગયો અને તૂટી ગયો છે.


વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર

મહત્વનું છે કે હાઈવે શરૂ કર્યાના થોડા મહિના થયા છે અને 30 કિલોમીટરના હાઈવે પર મોટા ખાડા તેમજ રોડ ધોવાઈ ગયો છે, સાથે રોડમાં વાપરવામાં આવેલી સામગ્રી તમામ બાર આવી ગઈ છે, સાથે હાઈવે પરના બ્રિજ બનાવ્યા છે તેની પરથી અહીંથી પસાર થતા વાહન ચાલકો પોતે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે લોડિંગ ગાડીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હાઈવેની હાલત એટલી ખરાબ બની છે કે જો રાત્રીના સમયે પસાર થતાં ખાડા ના દેખાય તો મોટો અકસ્માત પણ થઈ શકે છે, ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પૂછતાં જણાવ્યું હતું કે ભારત માલા હાઈવે પરથી ગાડી લઈને નીકળીએ તો નાની-મોટી ગાડીઓમાં મેઈન્ટેનન્સ આવે સાથે એક્સિડેન્ટ થવાનો મોટો ભય રહે છે.

 રોડ નાના-મોટા વાહનો માટે ટોલ ફ્રી કરવામાં આવ્યો

સાંતલપુરથી સુઈગામ તરફના ભારતમાલા નેશનલ હાઈવે પર પહેલા વરસાદમાં જ રોડ અનેક જગ્યા પર ધોવાઈ ગયો છે, ત્યારે સંદેશ ન્યુઝ ચેનલ દ્વારા ફરીથી સાંતલપુરથી બનાસકાંઠાની હદ સુધી રિયાલિટી જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મોટા ખાડા તેમજ રોડ પરની કપચી, માટી અને અન્ય સામગ્રી બહાર આવી ગઈ છે. પરંતુ સૌથી વધારે ખરાબ સ્થિતિ સાંતલપુર પહેલા જોવા મળી હતી. હાઈવે પર રોડ દબાઈ ગયો છે અને જેના લીધે વાહનચાલકોને વાહન સાચવીને ચલાવવું પડી રહ્યું છે અને કેટલીક જગ્યાએ તો એવી સ્થિતિ હતી છે કે ભારે વાહનોની અવર-જવરના લીધે વચ્ચેનો રોડ દબાઈ જતા કાર ચાલકોને નીચેનું પડખું અડી જતા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સૂચનાને પગલે એજન્સી દ્વારા બકુતરા ટોલ પ્લાઝાથી 30 કિલોમીટર સુધીનો રોડ નાના-મોટા વાહનો માટે ટોલ ફ્રી કરવામાં આવ્યો છે.

અધિકારીઓ અને કોન્ટ્રાકટર ભ્રષ્ટાચારથી ખદબદતા રોડ બાબતે જવાબ આપ્યા વગર ભાગ્યા

સાંતલપુરથી સાંચોર તરફ જતા ભારતમાલા હાઈવે પર 30 કિલોમીટર સુધી માત્ર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે અને કેન્દ્ર સરકારના આદેશ બાદ કેન્દ્રની NHAI ટીમો કોન્ટ્રાકટરો રોડના સમારકામ માટેના આંટાફેરા પણ વધી ગયા છે, જ્યારે સંદેશ ન્યુઝનો કેમેરો જોઈને NHAIના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચારથી ખદબદતા રોડ બાબતે જવાબ આપ્યા વગર ભાગ્યા હતા. સાંતલપુરથી શરૂ થતો 30 કિલોમીટર સુધીના રોડમાં રોડની ગુણવત્તા જોતા ખુબ જ મોટા પ્રમાણમાં કોન્ટ્રાકટર, સુપરવાઈઝર તેમજ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રોડને બનાવવામાં જ પાયાની બનાવટમાં જ ભ્રષ્ટાચાર થયેલો હોવાથી રોડ નવો ના બને ત્યાં સુધી થોડા થોડા મહિને રોડની દૂર્દશા જોવા મળશે જ તેવું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે.

  • Follow us on: