મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર 18મી જુલાઈએ 110 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થવાના છે.
101જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ 101જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે 10 વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા 44 લાખની સહાયનું વિતરણ કરશે.
વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરાશે
સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સ્થળ પસંદગી પ્રક્રિયા અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે પ્રતિક રૂપે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર, ચાણસ્મા, પાટણના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.