ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપમાં ટિકિટ કપાતા અનેક કાર્યકરો અને નેતાઓ નારાજ થયા હતાં. ક્યાંક ડેમેજ કંટ્રોલ કરીને સ્થિતિને સંભાળી લેવામાં આવી હતી. ત્યાર બાદ કેટલાક કાર્યકરોને પક્ષ દ્વારા પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતાં. હવે ભાજપ આવા કાર્યકરો અને નેતાઓ સામે લાલ આંખ કરવાની તૈયારીમાં છે. પ્રદેશ ભાજપને અત્યાર સુધીમાં પક્ષ વિરોધી નેતાઓ અને કાર્યકરો સામે 125 જેટલી લેખિત ફરિયાદો મળી છે.
ચૂંટણીમાં ભાજપે બહુમતિ સાથે વિજય મેળવ્યો
ગુજરાતમાં ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બહુમતિ સાથે વિજય મેળવ્યો છે. આ ચૂંટણીના પરિણામો બાદ હવે વિવિધ સંસ્થાઓમાં પદાધિકારીઓની વરણી માટે પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે ભાજપના પ્રદેશ મોવડી મંડળ દ્વારા પક્ષ વિરોધીઓ સામે એક્શન લેવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. પરંતુ પદગ્રહણની વિધિ પૂર્ણ થયા બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે શિસ્તનો કોરડો વિંઝાશે.













