અમદાવાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગે શહેરના પોશ વિસ્તાર ગણાતા પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલી પ્રસિદ્ધ 'Barbecue World' રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આ હોટલ વિરુદ્ધ ગંભીર ફરિયાદો મળતા તંત્રએ આ આકરી કાર્યવાહી કરી છે.


ખોરાકમાં જીવાત નીકળતા ફૂટ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા આ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા એક ગ્રાહકના ખોરાકમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ અંગે હોટલ સંચાલકોને જાણ કરી હતી અને ત્યારબાદ AMCમાં પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે આજે AMC ની હેલ્થ ટીમ દ્વારા રેસ્ટોરન્ટમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય

તપાસ દરમિયાન AMC ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રેસ્ટોરન્ટના રસોડા અને સ્ટોરેજ એરિયામાં ભારે ગંદકી જોવા મળી હતી. સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. ખોરાક રાંધવાની જગ્યાએ હાઈજીનનો અભાવ હોવાથી અને લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો જણાતા તંત્રએ તાત્કાલિક અસરથી રેસ્ટોરન્ટને સીલ મારી દીધું છે. આ કાર્યવાહીથી શહેરના અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો---     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

  • Follow us on: