અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાંથી AMC ના દબાણ વિભાગ દ્વારા એક મહિલાની લારી જપ્ત કરવામાં આવતા મામલો ગરમાયો છે. આ કાર્યવાહીથી રોષે ભરાયેલી મહિલા સીધી જ દાણાપીઠ સ્થિત AMC ની મુખ્ય કચેરીએ પહોંચી હતી અને ત્યાં સત્તાધીશો સામે હોબાળો મચાવ્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે તંત્ર માત્ર ગરીબોને જ નિશાન બનાવે છે, જ્યારે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કોઈ પગલાં લેવાતા નથી.


અધિકારીઓ પર ગંભીર આક્ષેપ અને દારૂ વેચવાની ચીમકી

હોબાળા દરમિયાન મહિલાએ તંત્ર અને પોલીસ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાએ આક્રોશમાં જણાવ્યું હતું કે, "બે નંબરનું કામ કરનારા લોકો અધિકારીઓને પૈસા આપે છે એટલે તેમની સામે કાર્યવાહી થતી નથી, જ્યારે અમારા જેવા ગરીબો પૈસા નથી આપી શકતા એટલે અમારી લારીઓ જપ્ત કરી લેવાય છે." વધુમાં મહિલાએ ચીમકી ઉચ્ચારી હતી કે, "જો મને આજે મારી લારી પાછી નહીં મળે, તો હું કાલથી ઇંગ્લિશ દારૂ વેચવાનું શરૂ કરી દઈશ, કારણ કે દારૂ વેચનારાઓ સામે તો કોઈ કાર્યવાહી થતી જ નથી."

રજૂઆત સાંભળવાને બદલે DyMC રિદ્ધેશ રાવલ રવાના થયા

આ સમગ્ર હોબાળા વચ્ચે એક અન્ય ચર્ચાસ્પદ દ્રશ્ય જોવા મળ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) રિદ્ધેશ રાવલ જ્યારે કચેરીએ હતા, ત્યારે રજૂઆત કરવા આવેલી મહિલાને જોઈને તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહિલા અધિકારીને મળવા માંગતી હતી, પરંતુ DyMC એ રજૂઆત સાંભળવાને બદલે ત્યાંથી જતું રહેવાનું પસંદ કર્યું હતું. અધિકારીના આ વલણથી મહિલાનો રોષ બમણો થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: