સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે.એક પણ મહાનગરપાલિકામાં સત્તા મળી નથી.અન્ય લોકલ બોડીમાં પણ આવી જ કફોડી દશા છે. ગુજરાત કોંગ્રેસ હવે આગામી દિવસોમાં હારનું પોસ્ટમોર્ટમ કરશે. અલબત્ત, કાર્યકરો, આગેવાનો હાર પાછળ જિલ્લા સ્તરે, પ્રદેશના કેટલાક નેતાઓએ મનમાની કરીને ટિકિટો મેળવી, જીતની શક્યતા હોય તેવી બેઠકો પર ટિકિટો વેચાઈ,કો-ઓર્ડિનેશનનો અભાવ, ફંડમાં પનો ટૂંકો પડવો તેમજ ડેમેજ કંટ્રોલ માટે કોઈ પ્રયાસો કરાયા ન હોવાની બાબતોને આગળ ધરી રહ્યા છે.
મેન્ડેટ પહોંચાડવામાં ગરબડ થઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઠેર ઠેર સત્તા વિરોધી લહેરનો માહોલ જોવાયો હતો.ભાજપના ઉમેદવારો માટે સંખ્યાબંધ શેરીઓ, ફલેટમાં એન્ટ્રી પર પાબંદી લગાવાઈ હતી.આ નારાજગી સાથે શહેરોમાં મોટાભાગના લોકોએ મતદાન કરવાનું મુનાસિબ માન્યું ન હતું.સંખ્યાબંધ સ્ટાર પ્રચારકો તો ક્યાંય ડોકાયા પણ નહોતા. પ્રચાર સામગ્રી પણ સમયસર પહોંચાડવામાં આવી નહોતી.પ્રદેશ નેતાઓ આખા ગુજરાતને બદલે જાણે પોતાના ગઢ સાચવવામાં પડ્યા રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસે પહેલાં તો એવા દાવા કર્યા હતા કે, ઉમેદવારોનું લિસ્ટ પહેલેથી જ ફાઈનલ છે પરંતુ સ્થિતિ એવી હતી કે, છેલ્લી ઘડીએ મનપાઓમાં ઉમેદવારના નામ જાહેર કર્યા નહોતા, મેન્ડેટ પહોંચાડવામાં ગરબડ થઈ હતી.













