અમદાવાદ શહેરના 30 હજારથી વધુ નાગરિકોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર 'નોટા' (NOTA)નું બટન દબાવીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.આ આંકડો સૂચવે છે કે મતદારો હવે માત્ર પક્ષના નામે નહીં પણ ઉમેદવારની ગુણવત્તાના આધારે મતદાન કરવા માંગે છે.વર્ષ 2021માં 19.65 લાખ મતદાનમાંથી 25245 મત નોટામાં પડયા હતા.જ્યારે આ વખતે 19.69 લાખમાંથી 30883 મત નોટામાં પડ્યા છે.શહેરના રાણીપ, વસ્ત્રાલ અને થલતેજમાં સૌથી વધુ અસંતોષ જોવા મળ્યો છે. જ્યારે દરિયાપુરમાં સૌથી ઓછા 340 જ મત નોટામાં ગયા છે.


કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા

આંકડાકીય વિશ્લેષણ મુજબ,અમદાવાદના પોશ ગણાતા થલતેજ વોર્ડમાં સૌથી વધુ 970 મતદારોએ નોટા પસંદ કર્યું છે.તેની પાછળ તરત જ વસ્ત્રાલ વોર્ડ આવે છે, જ્યાં 953 મતો નોટામાં પડયા છે.આ સિવાય રાણીપ ઈમનપર 894અને રામોલ હાથીજણ 862મત નોટામાં પડ્યા છે.જે અન્ય વિસ્તારોની સરખામણીએ આંકડો ખૂબ ઊંચો રહ્યો છે.આ વિસ્તારોમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના મતદારોએ ઉમેદવારોની પસંદગી સામે મૌન વિરોધ નોંધાવ્યો હોય તેમ જણાય છે.બીજી તરફ શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ પટ્ટાના કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી છે.

ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં અસમર્થ

સૌથી ઓછા નોટા મતો દરિયાપુર વોર્ડમાં માત્ર 340 નોંધાયા છે.તેવી જ રીતે જમાલપુરમાં 349 અને ઈન્ડિયા કોલોનીમાં પણ 349 મતો જ નોટામાં પડયા છે.આ આંકડા દર્શાવે છે કે આ વિસ્તારોમાં મતદારોએ કોઈને કોઈ પક્ષ કે ઉમેદવાર પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે મતદારોને પક્ષો દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં અસમર્થ લાગે છે.ત્યારે તેઓ નોટાનો આશરો લે છે. 30 હજારથી વધુ મતો એ કોઈ નાનો આંકડો નથી.તે રાજકીય પક્ષો માટે આત્મમંથન કરવાનો વિષય છે કે કેમ જનતા વિકલ્પ હોવા છતાં કોઈ પણ નહીં પસંદ કરી રહી છે.


આ પણ વાંચોઃ Local body election result 2026: કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર


  • Follow us on: