બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)ના મુદ્દા સાથે મતદાર યાદી સુધારણાને જોડીને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે, નોકરી, ધંધા કે રોજગાર અર્થે ગમે ત્યાં હોઈએ, પણ એવું ન માનવું જોઈએ કે ચૂંટણીમાં માત્ર નેતાઓને જ વોટની ગરજ હોય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "મતદાર યાદીમાં નામ હોય તો જ એની વેલ્યુએશન હોય છે." તેમનો ભાર એ વાત પર હતો કે પોતાનું નામ મતદાર યાદીમાં હોવું એ કોઈપણ નાગરિક માટે સૌથી પાયાની જરૂરિયાત છે, જેના થકી જ સમાજમાં તેની કિંમત આંકવામાં આવે છે.


છેલ્લી ઘડીના 20-25 મતદારોનું ઉદાહરણ

ગેનીબેન ઠાકોરે મતદારની તાકાત સમજાવવા માટે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત ચૂંટણીમાં એજન્ટો કહેતા હોય છે કે દરેક બૂથ પર 10 થી 25 લોકો એવા હોય છે, જેઓ મતદાન પૂરું થવાને 10 મિનિટની વાર હોય ત્યાં સુધી વોટ નથી આપતા. આ 20-25 મતદારોને છેલ્લી ઘડી સુધી ટકાવી રાખવા માટે એજન્ટોને કલાકે-કલાકે ₹50-₹50 આપીને ટાઇમ કાઢવો પડે છે. આ કિંમત અને વેલ્યુએશન શાની છે? તો એ તમારા વોટની છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો તમારું નામ મતદાર યાદીમાં ન હોય અને તમે આખો દિવસ બૂથ પર રહો, તો પણ કોઈ પક્ષવાળા કે એજન્ટ તમારો ભાવ પૂછશે નહીં.

બંધારણીય અધિકાર એ જ મતદારની સાચી તાકાત

ગેનીબેન ઠાકોરે તેમના નિવેદનનો સારાંશ આપતા કહ્યું હતું કે, મતદારની સાચી તાકાત એ તેના આગેવાનને ચૂંટવા પૂરતી સીમિત નથી. તેના બદલે, મતદારની તાકાત એ પોતાને બંધારણમાં મળેલો અધિકાર છે. આ અધિકાર થકી જ નાગરિકનું અસ્તિત્વ અને લોકશાહીમાં તેનું યોગદાન સ્થાપિત થાય છે. તેમણે યુવાનો અને અન્ય લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ જાગૃત બનીને સૌપ્રથમ પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ખાતરી કરે, કારણ કે એ જ તેમને રાજકીય અને સામાજિક મૂલ્ય પ્રદાન કરે છે.


  • Follow us on: