બિહાર વિધાનસભાના જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને સ્પષ્ટ બહુમતી મળી છે. આ પરિણામોએ ફરી એકવાર બિહારમાં એનડીએની સરકારની રચનાનો માર્ગ મોકળો કરી દીધો છે. બિહારમાં આ વિજય પ્રાપ્ત થતાં જ દેશભરમાં ભાજપ અને સહયોગી પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ વિજયની અસર ગુજરાત સુધી પણ પહોંચી છે. બિહારની આ જીતને આવકારવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
CM અને પ્રદેશ પ્રમુખ ઉજવણીમાં જોડાયા
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી આ વિજયોત્સવની ઉજવણીમાં રાજ્યના CM અને ભાજપ પ્રદેશ પ્રમુખ પોતે ઉત્સાહભેર જોડાયા હતા. પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીએ કાર્યકરોનો ઉત્સાહ બમણો કરી દીધો હતો. બિહારની જીતને વધાવવા માટે ઢોલ-નગારાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યકરોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા અને સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.













