ગુજરાતમાં મંત્રી મંડળમાં વિસ્તરણ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા ફરીવાર પોરબંદર બેઠક પરની પેટા ચૂંટણી જીતી ગયા છે. ત્યારે તેમને રાજ્યના નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 2002થી અત્યાર સુધીમાં ત્રણવાર કોંગ્રેસના ચિહ્ન પરથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા હવે ભાજપની સરકારના મંત્રી બન્યાં છે.
અર્જુન મોઢવાડિયાનું એજ્યુકેશન અને પરિવાર
અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957માં પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. મેર સમાજમાંથી રાજનીતિમાં નામ બનાવનાર મોઢવાડિયાએ BE મિકેનિકલ એન્જિનિયરિંગ અને વકિલાતનો અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષ 1982થી 2002 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર રહી ચૂકયા છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા હતાં. તેમણે 2002માં પોરબંદરથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં તેઓ જીત્યા હતાં. આ સમયે તેઓ ભાજપના બાબુ બોખીરિયા સામે ભારે સાબિત થયા હતાં.













