ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા નિમાયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી ગઈકાલે સોમવારે દિલ્હી પહોંચ્યા હતાં. આ ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને બેઠક યોજી હતી.આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતાં.આ બેઠક પાંચ કલાક સુધી ચાલી હતી. જેમાં રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ અંગેની ચર્ચાઓ થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.


દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી

રાજ્યમાં દિવાળી પહેલા જ મંત્રી મંડળનું વિસ્તરણ થાય તે નક્કી માનવામાં આવી રહ્યું છે. દિવાળી પહેલા જ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. રાજ્યના નવા મંત્રી મંડળમાં 14થી 15 નવા ચહેરા સામેલ થઈ શકે છે. જ્યારે હાલના મંત્રી મંડળમાં 8થી વધુ મંત્રીઓ પડતા મુકાઈ શકે છે. જ્યારે કેટલાક મંત્રીઓને પ્રમોશન મળવાનું પણ નક્કી છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હાલના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે.

દક્ષિણ ગુજરાતમાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે

હાલ ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આગામી સ્થાનિક સ્વરાજ્ય-વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વનો ફેરબદલ થઇ શકે છે. મંત્રીઓની જ્ઞાતિ સમીકરણો અને ઝોન વાઇઝ પસંદગી થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વધુ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાનની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાંથી 3-4 મંત્રી બનાવવામાં આવી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે તો ઉત્તર ગુજરાતમાંથી 2-3 ધારાસભ્યોની લોટરી લાગી શકે છે. આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: