ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અંતર્ગત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. આ દરમિયાન રાજ્યમાં મંત્રી મંડળ અને સંગઠનના ફેરફાર અંગે અનેક અટકળો ચાલી હતી. અમિત શાહની ભાજપના આગેવાનો સાથેની મુલાકાતો બાદ પણ નવા પ્રદેશ પ્રમુખ અંગેની અટકળો શરૂ થઈ હતી. આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ મંત્રીમંડળમાં ફેરફાર અંગે સંકેતો આપ્યા હતાં.
ગુજરાતના સંગઠનમાં ફેરફાર બાદ સરકારમાં ફેરફાર અંગે વિચારણા
વિધાનસભાનું સત્ર અને શ્રાદ્ધ પક્ષ હોવાથી મંત્રી મંડળવનું વિસ્તરણ નવરાત્રિ અથવા તો નવરાત્રિ બાદ થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે નવરાત્રિ શરૂ થયા બાદ એવી અટકળો શરૂ થઈ છે કે, હાલ મંત્રીમંડળમાં કોઈ ફેરફારની શકયતાઓ નથી. ભાજપના સંગઠનમાં ફેરફાર થયા બાદ સરકારમાં ફેરફાર અંગે વિચારણા કરાશે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આગામી સમયમાં યોજાવાની હોવાથી હાલમાં મંત્રી મંડળમાં ફેરફારને કોઈ સ્થાન નથી. આજે દિલ્હી ખાતે પૂર્વ આયોજિત એક બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થશે અને મોડી રાત્રે પરત ફરશે. ત્યારે મંત્રી મંડળમાં ફેરફાર ક્યારે થશે તેની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.













