ગુજરાતમાં લાંબા સમયથી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અગાઉ નવરાત્રિ અને હવે દિવાળી બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યાર બાદ પણ મંત્રી મંડળમાં વિસ્તરણ થવાની વાતો વહેતી થઈ છે. રાજ્યના મંત્રી મંડળમાં કૂલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. જેની સામે હાલમાં મુખ્યમંત્રી સહિત 17 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ સામે સ્પષ્ટતા કરવી પડી
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીના એકાદ વર્ષ અગાઉ મંત્રી મંડળ અને પક્ષના સંગઠનમાં ધરખમ ફેરફારો અને વિસ્તરણને અવકાશ હોય છે. અગાઉ રાજ્યમાં આ પ્રકારે ફેરફારો જોવા મળ્યાં છે. મંત્રીમંડળમાં વિસ્તરણ થવા અંગેની સતત થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ સામે સ્પષ્ટતા કરવી પડી હતી. તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓની સામે સ્પષ્ટ કહ્યું હતું કે, હાલ કંઈ થવાનું નથી ચિંતા ના કરશે. તેમણે બેઠકમાં આવતાની સાથે જ કહ્યું હતું કે, હાલ કોઈ ફેરફાર નથી બધા કામે લાગી જાઓ એમ સુત્રોએ જણાવ્યું હતું.













