ગુજરાતમાં હાલમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડાપ્રધાન મોદી આવીને ગયા અને હવે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટના નેતાઓએ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ

ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને સાંસદ રામ મોકરિયાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. આ પહેલા જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી બાદ વધુ એક નેતા ગોવિંદ પટેલે મુલાકાત કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને ફરી સક્રિય થવા કેન્દ્રના મોવડી મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થવાથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર થયા

રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. બે વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે. ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીની રી-એન્ટ્રી થઈ છે. ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.


  • Follow us on: