રાજકોટની ડાંગર હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPના કાર્યકરો બાદ હવે NSUI પણ મેદાનમાં આવ્યું છે. ગઈકાલે ABVPના કાર્યકરોએ કોલેજમાં ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને બહાર કાઢી બી.એ.ડાંગર કોલેજ બંધ કરાવી હતી. જેના બાદ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
NSUIનું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ
ડાંગર હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે NSUIએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે હલ્લાબોલ કર્યું. આજે પ્રદેશ NSUI પ્રમુખ સહિતના કાર્યકરો અને છાત્રો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીના આપઘાતની ઘટનામાં કોલેજ સામે તપાસ સહિતના મુદ્દે NSUI વિરોધ અને આવેદન પાઠવશે. ગતરોજ ABVPના કાર્યકરોએ પણ કોલેજ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. ABVPના મંત્રી પુષ્પરાજ ઝાલાએ જણાવ્યું કે અમે આ બાબતે વધુ તપાસ કરી તો અમારી જાણમાં આવ્યું કે ડાંગર હોમિયોપેથી કોલેજમાં લાલિયાવાડી ચાલી રહી છે.
વિદ્યાર્થીને ન્યાય અપાવવા સંગઠનો મેદાને
આ કોલેજમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા ચોરી કરાવવામાં આવે છે. કોલેજના લોકો દ્વારા ચોરી કરાવી પૈસા લેવામાં આવે છે. અને જે વિદ્યાર્થી પૈસા આપવાની ના પાડે તેને હેરાન કરવામાં આવે છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પાસ નહી કરાતા તેઓ મૂંઝવણ અનુભવે છે. કારણ કે તેઓ બેરોજગાર હોવાથી પૈસા આપી ના શકે અને પરિવારને પણ કહી શકતા નથી. કયારેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં પણ આવી જાય છે અને આપઘાતનું પગલું ભરે છે. મૃતકના પરિવારજનોએ પણ કોલેજ સંચાલકોના ત્રાસના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ABVP અને હવે NSUIએ પણ આપઘાત કરનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવા વિરોધમાં જોડાતા આ મામલો વધુ ગરમાયો છે.