પોરબંદર શહેરના જૂના ફુવારા નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બાંગ્લાદેશી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સનું નામ શાહીદુલ શેખ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રમાં હડકંપ મચાવ્યો છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. SOGને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ શહેરના આ વિસ્તારમાં ફરી રહ્યો છે.


જુના ફુવારા નજીકથી SOGએ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો

બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને શાહીદુલ શેખને દબોચી લીધો હતો. પોલીસ દ્વારા તેની પાસેથી કોઈ શંકાસ્પદ દસ્તાવેજો કે વસ્તુઓ મળી છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ બાંગ્લાદેશી શખ્સ પોરબંદર જેવા સંવેદનશીલ દરિયાકાંઠાના શહેરમાં શા માટે આવ્યો હતો.

બાંગ્લાદેશી પોરબંદર કેમ આવ્યો તેની તાપસ શરૂ

તેની પાછળ કોઈ ગુનાહિત ઈરાદો છે કે કેમ તે ગેરકાયદેસર રીતે ભારતમાં ક્યારે અને કેવી રીતે પ્રવેશ્યો અને તેના ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં કોઈ સંપર્કો છે કે કેમ તે તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક ગંભીર બાબત બની શકે છે કારણ કે પોરબંદર દરિયાઈ માર્ગે પાકિસ્તાન સાથે જોડાયેલું છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. શાહીદુલ શેખની વધુ પૂછપરછ બાદ જ તેના અહીં આવવાનો સાચો હેતુ બહાર આવશે.


  • Follow us on: