પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વિદેશમાં નોકરી અપાવવાના બહાને 19 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી કરી તેમને બેંગકોકમાં ફસાવનાર મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં હજુ બે અન્ય આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ ચાલુ છે. આરોપીઓએ હોટલમાં નોકરી અપાવવાના નામે યુવક-યુવતીઓ પાસેથી મોટી રકમ પડાવી હતી અને તેમને બેંગકોક મોકલી દીધા હતા.
હોટલમાં નોકરી આપવાના નામે કરાઈ હતી છેતરપિંડી
ત્યાં ગયા બાદ યુવક-યુવતીઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેઓ ફસાઈ ગયા છે. ત્યારબાદ તેમના પરિવારોએ આ મામલે પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોરબંદર LCBએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાનું લોકેશન દિલ્હીમાં ટ્રેસ કર્યું હતું.













