પોરબંદરના દરિયામાં આગ લાગેલા જહાજ પર આખરે 20 થી 22 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો છે. જામનગરની એચ.આર. સન્સ કંપનીના માલવાહક જહાજમાં ગઈકાલે સવારે આગ લાગી હતી, જેના પર કાબુ મેળવી લેવાયા બાદ મોડી સાંજે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજમાં સવાર તમામ 14 ક્રૂ-મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.
સમુદ્રમાં જહાજમાં લાગેલી આગ પર કાબૂ
આગ લાગવાનું મુખ્ય કારણ જહાજમાં થયેલો સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું મનાય છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે જહાજનો અમુક ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આ ઘટનાને પગલે પોરબંદરની ચોપાટી પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી બચાવ અને રાહત કામગીરી સરળતાથી થઈ શકે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમોએ સતત 20 કલાકથી વધુ સમય સુધી આગ બુઝાવવા માટે અથાક પ્રયાસો કર્યા હતા. ભારે પવન અને દરિયાની ઊંચી લહેરોને કારણે કામગીરીમાં અવરોધ આવ્યો હતો, પરંતુ ટીમોએ હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો.













