પોરબંદર નરસંગ ટેકરી નજીક આવેલ રેલવે ફાટકને લઈને વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે કારણ કે 30 થી 40 હજાર જેટલા રહેવાસીઓને ત્રણથી ચાર કિલોમીટર ભરી ઓવરબ્રિજ પરથી પસાર થવું પડે છે.
રજૂઆતો કરવા છતાં ફાટક ખોલવામાં આવ્યું નથી
રેલવે ફાટક મુદ્દે સ્થાનિકો એ રાજકીય આગેવાનો, રેલવે વિભાગ અને કલેક્ટરને રજૂઆતો કરવા છતાં ફાટક ખોલવામાં આવ્યું નથી. જેના પગલે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદ્યોગનગર ફાટક બંધ થવાથી 30 થી 40 હજાર જેટલા લોકો પ્રભાવિત થાય છે.
વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે, તે પણ બિસ્માર હાલતમાં
ફાટક બંધ થયા બાદ જે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે, તે પણ બિસ્માર હાલતમાં છે. નરસંગ ટેકરી સુધી જવા માટે 75 જેટલા પગથિયાં ચડવા અને ઉતરવા પડે છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અવરજવર માટે પણ ફાટક ખોલવામાં આવતું નથી અને ધંધા-રોજગારને પણ માઠી અસર પડી છે.
ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
આ મુદ્દે આગામી આઠ દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ આંદોલનને કોંગ્રેસના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકારતો ધરણા પર બેસી ગયા છે.
સત્તામાં બેઠેલા કોઈપણ નેતાઓ દ્વારા સ્થાનિકોની મુલાકાત લેવામાં આવી નથી
લાંબા સમયથી રેલવે ફાટકનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ સત્તામાં બેઠેલા કોઈપણ નેતાઓ દ્વારા સ્થાનિકોની મુલાકાત લેવામાં આવી નથી જેને લઈને રેલવે ફાટકથી કંટાળી ગયેલ લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજકીય રીતે વિસાવદર જેવી પોરબંદરમાં સ્થિતી ઉત્પન્ન થાય તેવી વાતો પણ સ્થાનિકો જણાવ્યું રહી ગયા છે.
ચૂંટણીમાં પણ રેલ્વે ફાટકનો મુદ્દો
હાલ તો સત્તા પક્ષ માત્રને માત્ર સ્થાનિકોને આશ્વાસન આપીને કામ ચલાવી રહ્યું છે, પરંતુ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ રેલ્વે ફાટકનો મુદ્દો છે તે ભાજપ માટે નુકસાનકારક બની શકે છે. કારણ કે સ્થાનિકોએ ચૂંટણી સમયે મત માંગવા નહીં આવવાની વાત કરી છે.