રાજ્યમાં રવિ પાકની ખરીદી અંગે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા તુવેર સહિતના રવિ પાકની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં તુવેરની ખરીદી વિવિધ ખરીદી કેન્દ્રો પર ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 12,600 જેટલા ખેડૂતો આ ખરીદી પ્રક્રિયામાં જોડાઈ ચૂક્યા છે.
ચણા-રાયડાની ખરીદી માટે 2 લાખથી વધુ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
સરકાર દ્વારા ખેડૂતોએ ઉગાડેલા પાકને યોગ્ય કિંમતે ખરીદવાની દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે તુવેર ઉપરાંત ચણા અને રાયડાની ખરીદી પણ સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે ખેડૂતોમાં નોંધપાત્ર રસ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં આશરે 2 લાખ 60 હજાર જેટલા ખેડૂતો દ્વારા ખરીદી માટે નોંધણી કરાવવામાં આવી છે.













