રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરથી શનિવારે ટ્રાફિકજામના અત્યંત ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. હાઈવે પર આવેલા પારડી ગામ નજીક કોઈ કારણોસર અચાનક વાહનોની ગતિ થંભી ગઈ હતી અને જોતજોતામાં 2 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મસમોટા ચક્કાજામને કારણે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેંકડો મુસાફરો, એસ.ટી. બસો અને ખાનગી વાહનો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં નાના બાળકો અને મહિલાઓ સહિતના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાઈ
આ ટ્રાફિકજામની સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, દર્દીને લઈને હોસ્પિટલ તરફ જઈ રહેલી એક કટોકટીની સેવા આપતી એમ્બ્યુલન્સ પણ આ વાહનોની કતારમાં ફસાઈ ગઈ હતી. ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સના વિડીયો અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ઈમરજન્સી સાયરન વાગવા છતાં રસ્તો ન મળવાને કારણે એમ્બ્યુલન્સ લાંબો સમય ઊભી રહી હતી. સદનસીબે સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓએ માનવતા દાખવીને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવા માટે જહેમત ઉઠાવી હતી.













