રાજકોટ મહાનગરપાલિકાના વહીવટમાં હાલ ગંભીર ગેરરીતિઓના આક્ષેપોએ ભારે હોબાળો મચાવ્યો છે.શહેરના વોર્ડ નં.7માં ડામર પેચવર્કની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ એક કોર્પોરેટરે કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.શહેરમાં વોર્ડ નં.7માં હાથ ધરવામાં આવેલા પેચવર્કના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.રાજકોટમાં બે મહત્વના પ્રોજેક્ટ્સ સામે ભાજપના જ પદાધિકારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે
સ્થાનિકો અને કોર્પોરેટરના જણાવ્યા મુજબ, કામગીરી માટેના કાગળ પર 250 ટન ડામર વાપર્યાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ જ થયું નથી.વિજય પ્લોટ અને દિવાનપરા જેવા વિસ્તારોમાં તો પેચવર્કનું નામનિશાન નથી.સ્થાનિક રહેવાસીઓએ રોષ ઠાલવતા કહ્યું કે,છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં રોડના કામો થયા જ નથી અને મજબૂરીમાં પ્રજાએ પોતાના ખર્ચે ખાડા પૂરવા પડે છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,આ ગંભીર બાબત છે.સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે અને જો ગેરરીતિ સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.












