રાજકોટના સૌથી વ્યસ્ત અને ધમધમતા ગણાતા નાના મવા સર્કલ પાસે ધોળે દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાહેર રસ્તા પર કોઈ અજ્ઞાત કારણોસર બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય વિવાદ એટલો વધી ગયો કે બંને યુવાનો ભાન ભૂલીને જાહેર રસ્તા પર જ એકબીજા સાથે આડેધડ બાખડી પડ્યા હતા. આ લડાઈને જોવા માટે રસ્તા પર લોકોના ટોળા વળી ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


ચાલુ સિટી બસ સાથે યુવકને અથડાવ્યો

બંને યુવકો વચ્ચે ચાલી રહેલી આ મારામારી દરમિયાન હિંસાની તમામ હદો પાર થઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા એક યુવકે ક્રૂરતા અને બેદરકારી પૂર્વક બીજા યુવકને પકડીને ત્યાંથી પસાર થઈ રહેલી રાજકોટ મહાનગરપાલિકાની ચાલુ સિટી બસ સાથે જોરદાર રીતે અથડાવ્યો હતો. ચાલુ બસ સાથે અથડાવાને કારણે યુવક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ થઈ હોવાની આશંકા છે. આ જોખમી અને ભયાનક દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

સમગ્ર મારામારીનો વીડિયો થયો વાયરલ

આ આખી ઘટના સમયે ત્યાં હાજર કોઈ પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. આ સમગ્ર મારામારીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી છે. જાહેર રસ્તા પર આતંક મચાવીને કાયદો હાથમાં લેનારા અને લોકોના જીવ જોખમમાં મૂકનારા આ બંને શખ્સો કોણ છે, તેમજ આ લડાઈ પાછળનું અસલી કારણ શું હતું, તે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: