રાજકોટ શહેરના હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર આજે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે રોડ પર પાર્ક કરેલા છ જેટલા વાહનો વૃક્ષના ભાર નીચે દબાઈ ગયા હતા. આ ગંભીર અકસ્માત રેસકોર્સ અંડરબ્રિજ પાસે આવેલી સાસુજી રેસ્ટોરન્ટ નજીક બન્યો હતો.
સદનસીબે જાનહાનિ ટળી, વાહનોને મોટું નુકસાન
આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે વૃક્ષ અચાનક પડ્યું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે નીચે દબાયેલા તમામ વાહનોને મોટું નુકસાન થયું છે. વાહનો ધરાશાયી થયેલા વૃક્ષના થડ અને ડાળીઓ નીચે દબાઈ ગયા હતા. જેના કારણે તેમના બોડી પાર્ટ્સ અને કાચને નુકસાન પહોંચ્યું છે. વૃક્ષ પડવાની ઘટના બનતા જ નજીકમાં આવેલી રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને વેઇટર્સ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.













