રાજકોટના માયાણી ચોક વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. જ્યાં એક વકીલ પતિએ પોતાની પત્ની રિસામણે જતાં ગુસ્સામાં આવીને સાળીની નોકરીના સ્થળે તોડફોડ કરી અને હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વકીલનો આતંક સ્પષ્ટપણે જોઈ શકાય છે. વકીલ હિતેષ મકવાણાની પત્ની કોઈ કારણોસર રિસાઈને પોતાની બહેનના ઘરે રહેવા ગઈ હતી.


વકીલ પતિએ માયાણી ચોકમાં દુકાનમાં કરી તોડફોડ

પત્નીને પરત લાવવાના પ્રયાસો નિષ્ફળ રહેતા હિતેષ મકવાણાએ પોતાની સાળી જ્યાં નોકરી કરે છે તે માયાણી ચોકમાં આવેલી ગોલીવાલા શોપ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે પોતાની પત્ની ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી અને ઉગ્ર દલીલો કરી હતી. ગુસ્સામાં ભરાઈને હિતેષ મકવાણાએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી અને ત્યાં હાજર એકલી યુવતી પર પણ નિર્લજ્જ રીતે હુમલો કર્યો હતો. આ ઘટનાથી દુકાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ગોલીવાલા શોપમાં યુવતી પર કર્યો હુમલો

વકીલના આ અશોભનીય વર્તનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાયદાના જાણકાર વ્યક્તિ દ્વારા જ કાયદાના ધજાગરા ઉડાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ ઘટના બાદ હુમલાનો ભોગ બનેલી મહિલાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વકીલ હિતેષ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠા પર પણ સવાલ ઊભા કર્યા છે.


  • Follow us on: