ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રે ઊભરતી તકો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે રાજકોટમાં 26મી સપ્ટેમ્બરે બાયોટેક કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઉદ્યોગકારો, શિક્ષણવિદો સહિતના લોકો સાથે મળીને બાયોટેક ફીલ્ડના વ્યાપ અંગે મંથન કરશે.
10થી 2 વાગ્યા દરમિયાન રીજીયોનલ બાયોટેકનોલોજી કોન્કલેવ યોજાશે
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આઈ.ટી. ફિલ્ડની જેમ બાયો ટેક્નોલોજી ફિલ્ડમાં ખૂબ સારી તકો છે અને ભવિષ્ય ઉજ્જ્વળ છે. વર્તમાન સમયમાં જોવા મળતા પ્રદૂષણ, બીમારીઓ સહિતના અનેક પ્રશ્નોના ઉકેલ બાયો ટેક્નોલોજીમાં જોવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આગામી 26 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં સવારે 10થી 2 વાગ્યા દરમિયાન રીજીયોનલ બાયોટેકનોલોજી કોન્કલેવ યોજાશે. જેમાં ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી 2022-27, સંશોધન સહાય યોજના તેમજ તાલીમ કાર્યક્રમો સહિત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અંગે વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવશે.













