રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ઉઠેલા શહેરીજનોને આજે બપોર બાદ મોટી રાહત મળી છે. સવારથી જ આકાશમાં સૂર્યનારાયણનો પ્રકોપ અને ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો, પરંતુ બપોર પછી અચાનક જ શહેરના હવામાનમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનની ગતિ વધવાની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. લાંબા સમયની પ્રતીક્ષા બાદ પડેલા આ વરસાદને પગલે રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરના પોશ અને મુખ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ
શહેરના હૃદય સમાન ગણાતા રેસકોર્સ આસપાસના વિસ્તારો, રૈયા રોડ અને આમ્રપાલી સિનેમા સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત પશ્ચિમ રાજકોટના મુખ્ય ગણાતા 150 ફૂટ રિંગરોડ અને કાલાવડ રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક શરૂ થયેલા વરસાદના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ થોડીવાર માટે ઓથા નીચે ભરાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ આ પ્રથમ વરસાદમાં નહાવાની મજા માણી હતી.













