રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીના મોતના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કાળજું કંપાવી દેનારી ઘટનાની વિગત એવી છે કે, સ્થાનિક રહીશ ફિયાઝભાઈએ પોતાની અઢી વર્ષની માસૂમ પુત્રીને પાણીમાં ડૂબાડીને પોતે પણ પાણીમાં ડૂબી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ આત્મહત્યા પાછળ ફિયાઝભાઈની પત્નીની બેવફાઈ અને તેના પ્રેમી દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
'દીકરી મને સોંપી દે' કહી પ્રેમી ફોન પર આપતો હતો ધમકીઓ
મળતી વિગતો મુજબ, મૃતક ફિયાઝભાઈની પત્ની ફિરદોષ તેના પ્રેમી લાલા ખીમાણી સાથે ભાગી ગઈ હતી. પત્ની ભાગી ગયા બાદ પણ ફિયાઝભાઈની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. તેનો પ્રેમી લાલો ખીમાણી અવારનવાર ફિયાઝભાઈને ફોન કરીને ધમકીઓ આપતો હતો અને "તારી દીકરી મને સોંપી દે" તેવી દબાણપૂર્વક વાત કરતો હતો. પત્નીના આ પ્રકારે ઘર છોડી જવાના આઘાત અને તેના પ્રેમી લાલા દ્વારા સતત મળતી ધમકીઓ તથા અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે ફિયાઝભાઈએ પોતાની વ્હાલસોયી દીકરી સાથે જીવ ટૂંકાવી લેવાનો આકરો નિર્ણય કર્યો હતો.













