ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતેથી રાજકોટ જિલ્લામાં કુલ 109 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં અંદાજિત રૂ. 1,232 લાખના ખર્ચે નિર્માણ પામનારી 103 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને રૂ. 51 લાખના ખર્ચે નવનિર્મિત 6 આંગણવાડી કેન્દ્રોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય : કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા
આ પ્રસંગે મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમવાર એક સાથે 109 જેટલી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આંગણવાડીરૂપી "નંદ ઘર" વહેલી તકે શરૂ થશે અને જેનો લાભ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાળકો લઈ શકશે. આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે ત્યારે તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. "સહી પોષણ દેશ રોશન"ના મંત્ર સાથે આંગણવાડી કેન્દ્ર પરથી બાળકોને યોગ્ય પોષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેમજ કિશોરી અને ધાત્રી માતાઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.
ગોંડલ તાલુકામાં 19 આંગણવાડી કેન્દ્ર
આ તકે લોધીકા તાલુકામાં મેટોડા-૧, મેટોડા-૨, ખીરસરા-૨, હરીપરપાળ-૨ તથા કોટડાસાંગાણી તાલુકામાં કોટડાસાંગાણી-૫, જૂની મેંગણી-૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં લોધીકા તાલુકામાં ૦૫, કોટડાસાંગાણી તાલુકામાં કુલ ૧૦, વિંછીયા તાલુકામાં ૦૯, જસદણ તાલુકામાં કુલ ૧૬, રાજકોટ (ગ્રામ્ય) તાલુકામાં ૧૩, જામકંડોરણા તાલુકામાં ૦૮, ઉપલેટા તાલુકામાં ૦૩, ગોંડલ તાલુકામાં ૧૯, જેતપુર તાલુકામાં ૧૪, ધોરાજી તાલુકામાં ૦૬ આંગણવાડી કેન્દ્રો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ જિલ્લામાં એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોને સુવિધાયુક્ત ભવન બનવા જઈ રહ્યા છે. જેના થકી બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને સુગમ્ય વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભ મળી રહેશે.