રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વકીલો અને જજ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. જજોના કથિત અયોગ્ય વર્તનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી બાદ, રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની બેઠકમાં બે જજના બહિષ્કારનો એક મોટો અને ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.


 બાર એસોસિએશને જનરલ બોર્ડની બેઠક બોલાવી 

મળતી વિગતો અનુસાર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી. ડી. શાહ અને જજ એચ. એચ. ગુપ્તા ના વર્તનને લઈને વકીલોમાં ભારે નારાજગી હતી. બાર એસોસિએશન દ્વારા અગાઉ પણ આ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ સકારાત્મક નિરાકરણ આવ્યું ન હતું. અંતે કંટાળીને બાર એસોસિએશને જનરલ બોર્ડની બેઠક બોલાવી બંને જજની કોર્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

પક્ષકારોને નુકસાન ન થાય તે માટે રજૂઆત

બાર એસોસિએશને પસાર કરેલા ઠરાવ અનુસાર, જ્યાં સુધી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ વકીલ જજ ડી. ડી. શાહ અને એચ. એચ. ગુપ્તાની કોર્ટમાં કેસ લડવા માટે નહીં જાય. જોકે, આ વિવાદના કારણે સામાન્ય પક્ષકારો કે અસીલોને કોઈ નુકસાન ન થાય અને તેમના કેસ પર પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરીને યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે.

કાનૂની આલમમાં ગરમાવો

વકીલોના આ આક્રમક વલણ અને કોર્ટ બહિષ્કારના નિર્ણયને પગલે રાજકોટના કાનૂની આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે અને હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


આ પણ વાંચો - Rajkotમાં લવ જેહાદ: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ


  • Follow us on: