રાજકોટ શહેરમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ અને દુષ્કર્મ ગુજારવાનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ આપેલા સત્તાવાર નિવેદન અનુસાર, પીડિત પરિણીતાની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર સૌપ્રથમ અનિશા નામની યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ અનિશાએ પીડિતાની ઓળખાણ સોશિયલ મીડિયા પર 'જિદ્દી બોય' નામનું ફેક આઈડી ચલાવતા જૂનાગઢના અફઝલ સીડા સાથે કરાવી હતી. શાતિર અફઝલે પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું.
નિકાહ કરવા માટે અપાતું હતું દબાણ
પરિણીતાને વિશ્વાસમાં લીધા બાદ આરોપી અફઝલ સીડા પીડિતાના ઘરે આવીને રોકાયો હતો, જ્યાં તેણે પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી પીડિતાને અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આરોપી અફઝલ પીડિત પરિણીતા પર હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તથા પોતાની સાથે નિકાહ કરવા માટે સતત માનસિક દબાણ કરતો હતો અને ધમકીઓ આપતો હતો. જેથી કંટાળીને પીડિતાએ પોલીસનો આશરો લીધો હતો.













