રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદમાં આવી છે. વધુ એક સિંગર અને લોક સાહિત્યકારને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. લોક સાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન પોતાના ભાઈની સારવાર કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા અને 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા પણ કોઈએ કેસ લીધો નહતો.


સ્ટાફે કહ્યું કેસ દાખલ નહીં કરીએ થાય તે કરી લોઃ મીરાબેન

ઈમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ મીરાબેને આક્ષેપ કર્યો છે. મીરાબેન આહિરે સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે અને તંત્રની પોલ ખોલી છે. મીરાબેને વીડિયોમાં એ પણ આક્ષેપ કર્યો કે સિવિલ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ દાખલ નથી કરવો તારાથી જે થાય એ કરી લે. હોસ્પિટલમાં બેઠેલી નર્સ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું હતું કે સિક્યુરિટીને બોલાવો. ઉલ્લેખનીય છે કે અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને જેને લઈને તેમને પણ વીડિયો પર પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

હકાભા ગઢવીને પણ સિવિલનો થયો હતો કડવો અનુભવ

લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીને પણ થોડા મહિના પહેલા જ રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. તેમને સોશિયલ મીડિયામાં વ્યથા ઠાલવતાં કહ્યું કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.

  • Follow us on: