રાજકોટમાં ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. ચોમાસાની સિઝનના આરંભે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. રાજકોટના વિંછીયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ભારે વરસાદનું જોર રહેતા વિંછીયાના પીપરડીમાં આવેલ તળાવ છલોછલ ભરાઈ ગયું. દરમિયાન તળાવમાં ડૂબવાથી એક વૃદ્ધનું મોત થયાના સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી.
પીપરડી ગામમાં બન્યો દુઃખદ બનાવ
મળતી માહિતી મુજબ વિંછીયામાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા. જો કે સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા હતા. પીપરડી ગામમાં રહેતા એક ખેડૂત પોતાના પશુને પાણી પાવા ગામ નજીક આવેલ તળાવ પાસે લઈ ગયા. તેમના ખેડૂત તળાવમાંથી પાણી પીતા હતા ત્યારે અચાનક કાંઠે ઉભેલ ખેડૂતનો પગ લપસ્યો. અને તેઓ તળાવમાં પડી ગયા. લાંબો સમય થવા છતાં ખેડૂત ઘરે પાછા ના ફરતા પરિવારે તેમની શોધખોળ કરી.
પરિવાર અને ગામમાં શોકનો માહોલ
ત્યારે ગામ નજીક આવેલ તળાવ પાસેથી તેમા ચપ્પલ મળ્યા. પરિવારને ખેડૂત તળાવમાં પડી ગયા હોવાનું લાગતા તંત્રને જાણ કરી. ગામનો લોકો પણ આ વાતની જાણ થતા ખૂબ મોટી સંખ્યામાં મદદ માટે આવ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે જસદણથી રેસ્કયુ ટીમ મોકલવામાં આવી. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિત તંત્ર ખડે પગે પીપરડી ગામ પહોંચ્યા. તરવૈયાઓએ તળાવમાં પડી ખેડૂતની શોધખોળ હાથ ધરી. દરમિયાન મોડી રાત્રે તળાવમાંથી ખેડૂતનો મૃતદેહ મળ્યો. પીપરડીમાં 68 વર્ષના વૃદ્ધનું તળાવમાં ડૂબવાથી મોત થતા ખેડૂતના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો.
રાજ્યમાં વરસાદે મચાવી તબાહી
છેલ્લા કેટલાક દિવસોમાં સુરત, દ્વારકા, બનાસકાંઠા અને રાજકોટમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મનમૂકીને વરસતા રાજકોટના વિંછીયામાં રસ્તાઓ અને તળાવોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. અનરાધાર અને અવિરત વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા જોવા મળે છે જ્યારે ઘરોમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે. વરસાદી આફતના કારણે વિસ્તારો જળબંબાકાર થતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે.