રાજકોટમાં આજે સવારથી જ મેઘરાજાએ મનમુકીને બેટિંગ કરી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આજી-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમમાં જળસ્તર વધતાં ડેમના દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જેના કારણે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં સ્થિત 10 જેટલા ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે. જળાશયનું હાલનું લેવલ 72.71 મીટરે પહોંચ્યું છે.
નીચાણવાળા 10 ગામોને સાવચેત રહેવા સૂચના
આજી-2 ડેમમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધવા પામી છે. જેના કારણે ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. પડધરી તાલુકાના અડબાલકા,બાગી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંડેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા જિલ્લા ફલડ કંટ્રોલ યુનિટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં સ્થિત 10 જેટલા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
રાજકોટ શહેરમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. શહેરમાં રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક, 150 ફૂટ રીંગ રોડ, મોવડી ચોકડી, મહિલા કોલેજ અંડરબ્રિજ, રેસકોર્સ, કાલાવાડ, યાજ્ઞિક રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રામાપીર ચોકડી, આઝાદ ચોક, નાના મૌવા રોડ અને માધાપર ચોકડી પાસે પાણી ભરાઈ ગયા હતાં.
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા હતાં. આ ઉપરાંત શહેરના પોપટપરા વિસ્તારમાં ગરનાળામાંથી પસાર થતી BRTS બસ ફસાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આખરે NDRFની ટીમે આવીને તમામ મુસાફરોનું દોરડાથી રેસ્ક્યૂ કર્યું હતું.