રાજકોટમાં આજે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. શહેરના અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પોપટપરા વિસ્તારમાં એક ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે BRTS બસ ફસાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે પોપટપરામાં પાણી ભરાઈ ગયા હતાં. NDRFની ટીમે બસમાં બેઠેલા મુસાફરોનું ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યૂ કર્યું હતું.


એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ શહેરમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. શહેરમાં રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક, 150 ફૂટ રીંગ રોડ, મોવડી ચોકડી, મહિલા કોલેજ અંડરબ્રિજ, રેસકોર્સ, કાલાવાડ, યાજ્ઞિક રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રામાપીર ચોકડી, આઝાદ ચોક, નાના મૌવા રોડ અને માધાપર ચોકડી પાસે પાણી ભરાઈ ગયા હતાં.

વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા હતાં. આ ઉપરાંત શહેરના પોપટપરા વિસ્તારમાં ગરનાળામાંથી પસાર થતી BRTS બસ ફસાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આખરે NDRFની ટીમે આવીને તમામ મુસાફરોનું દોરડાથી રેસ્ક્યૂ કર્યું હતું.


  • Follow us on: