રાજકોટના ગોંડલ અને ઉપલેટાના આસપાસના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ગોંડલ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટા બાદ ધીમીધારે વરસાદ વરસતા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. શહેર તેમજ પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


ઉપલેટા અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ

ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટાના કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર, શાકમાર્કેટ રોડ, બસ સ્ટેન્ડ ચોક, સ્ટેશન રોડ, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર સહિત વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, લાઠ, ભીમોરા, કુંઢેચ, મજેઠી, ડુમિયાણી, કાથરોટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતોના પાકને ફાયદો થશે.

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: