રાજ્યમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા કહ્યું કે ગત સપ્તાહમાં મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે. જ્યારે તાવના 958 કેસ, શરદીના 642 જેટલા કેસ નોંધાયા છે.


ઝાડા ઉલ્ટીના 229, ટાઈફોઈડ તાવના 2 કેસ નોંધાયા

બીજી તરફ વરસાદ બાદ શહેરમાં ઝાડા-ઉલ્ટીના 229 કેસ તો ટાઈફોઈડ તાવના 2 કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે અને આસપાસમાં સ્વચ્છતા રાખવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની બિમારી હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય

રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતાં જ ખાડા રાજના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના મવડી, જગનાથ પ્લોટ, લક્ષ્મી નગર સહિતના વિસ્તારોમાં રસ્તાનું કામ નબળું હોવાનું સામે આવ્યું છે. ઓછા વરસાદમાં જ ખાડા વધુ પડ્યા છે. શહેરના મધ્યમાં આવેલા જાગનાથ પ્લોટ વિસ્તારમાં ડી આઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે આ કામ શિયાળામાં શરૂ થયું હોત તો ચોમાસા પહેલા કામ પૂર્ણ થઈ ગયું હોત પરંતુ કામ ઉનાળમાં શરૂ થયું અને હવે ચોમાસમાં સ્થાનિકો ખાડા રાજથી ત્રાસ અનુભવી રહ્યા છે.


  • Follow us on: