રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન ઓપરેશન દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ માટેના ખાણી-પીણીના બિલમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જંગલેશ્વર ડિમોલેશન ના કામકાજ વચ્ચે અધિકારીઓની જ્યાફત માટે કુલ રૂ. 27 લાખ 20 હજારનું અધધ કહી શકાય તેવું ફૂડ બિલ મનપા સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
રૂ. 231ની એક કાજુકતરી અને લાખોની ચા-કોફીના આંકડાથી ચેરમેન ચોંક્યા
આ આખા બિલમાં એવી વિગતો સામે આવી છે, જેને જોઈને સામાન્ય માણસ પણ માથું ખંજવાળવા લાગે. એક તરફ જંગલેશ્વરમાં જેસીબી ગર્જી રહ્યા હતા, તો બીજી તરફ અધિકારીઓ રૂ. 231ની એક નંગ લેખે કાજુકતરી આરોગી રહ્યા હતા! બિલની વિગતો મુજબ, કાજુકતરી, સમોસા, ખજૂરરોલ અને ખમણની માત્ર 150 નંગ પ્લેટનું બિલ જ રૂ. 34,650 મૂકવામાં આવ્યું છે. આ સિવાય, આરાધના ટી સ્ટોલમાંથી મંગાવવામાં આવેલી ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂ. 6,30,946 આવ્યું છે, જેમાં અધિકારીઓ અને સ્ટાફ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત ગટગટાવી ગયા હોવાનું દર્શાવાયું છે!













