રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી નોંધાવનાર 23 વર્ષીય નંદની બોસમીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે.વાવડી વિસ્તારમાં આવેલી આગમન રેસિડેન્સીમાં નંદનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટના બાદ નંદનીના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
જૂનાગઢના અસલમ સમા સાથે મૈત્રી કરારમાં રહેતી
મૂળ જેતપુરના નવાગઢ વિસ્તારની રહેવાસી નંદની બોસમીયા જૂનાગઢ ખાતે એમ.આર.તરીકે નોકરી કરતી હતી.તે દરમિયાન તેનો સંપર્ક જૂનાગઢના અસલમ સમા સાથે થયો હતો.પરિવારના આક્ષેપ મુજબ પરણિત હોવા છતાં અસલમે નંદનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા.અગાઉ જૂનાગઢમાં રહેતા આ યુગલને લઈને અનેક વિવાદો પણ સામે આવ્યા હતા.આશરે ચાર મહિના પૂર્વે અસલમની પત્નીએ નંદનીને ઢોર માર માર્યો હતો.જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.અસલમનો પરિવાર નંદનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તે ત્રાસમાંથી બચવા માટે નંદની અસલમ સાથે રાજકોટ સ્થાયી થઈ ગઈ હતી.













