રાજકોટમાં ઓગસ્ટમાં યોજાતા લોક મેળા અગાઉ વિવાદ સર્જાયો છે. મેળાના રાઈડ ધારકો માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલી ગાઈડલાઈન મુદ્દે આજે ઓલ ગુજરાત મેળા એસોસિએશનની એક બેઠકમાં સરકાર પાસે છૂટછાટની માગ કરાઈ હતી. જો છૂટછાટ નહીં મળે તો રાજ્યમાં થતા મેળાઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એસોસિએશનના સભ્યોનું કહેવું હતું કે, ફાઉન્ડેશન કરવાનો ખર્ચ પોસાય તેમ નથી, સરકાર રાઈડ્સનું બિલ માંગે છે એ શક્ય નથી. જો સરકાર એસઓપી નહીં સુધારે તો લોકમેળા બંધ કરવામાં આવશે.
ફાઉન્ડેશન કરવું શક્ય નથી અને તેનો ખર્ચ પોસાય તેમ નથી
આજે રાજકોટમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મેળા વેલફેર એસોસિએશને સરકાર સામે બાંયો ચઢાવી હતી. એસોસિએશને સરકારની SOPનો વિરોધ કર્યો હતો. એસોસિએશન દ્વારા કહેવાયું હતું કે, ફાઉન્ડેશન કરવું શક્ય નથી અને તેનો ખર્ચ પોસાય તેમ નથી. સરકાર રાઈડ સંચાલકો પાસે રાઈડનું બિલ માંગે છે તે શક્ય નથી. રાઈડ્સ એસેમ્બલ હોય છે. તે દાયકા જૂની હોય છે.જેથી તેનું કોઈ બિલ રાઈડ સંચાલકો પાસે હોતુ નથી.
મેળા એસોસિએશનમાં 450 જેટલા સભ્યો છે
એસોસિએશન દ્વારા જણાવાયું હતુ કે, મેળા એસોસિએશનમાં 450 જેટલા સભ્યો છે. જન્માષ્ટમીના લોક મેળા પર નભનારા હજારો લોકો છે. રાજ્યમાં એક દિવસથી લઈને એક મહિના સુધીના મેળા થતા હશે. પરંતુ સરકાર અમારા દ્વારા રજૂ કરાયેલા મુદ્દાને લઈ નિયમો હળવા નહીં કરે તો સમગ્ર રાજ્યમાં તમામ લોકમેળાનો અમે બહિષ્કાર કરીશું. સરકાર દ્વારા જે SOP તૈયાર કરાઈ છે તેને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે પરમિશન મળતી હતી તે પ્રકારની પરમિશન તંત્ર દ્વારા અપાય એવી અમારી માંગ છે.