રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે અગાઉ ત્રણ કેસ સામે આવ્યા બાદ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓને જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ગામે પણ એક વ્યક્તિને ઝેરી જીવાત કરડતા બીમાર પડ્યા છે, ઝેરી જીવાત પગમાં કરડતા પગમાં સોજો આવી ગયો છે. આ ઉપરાંત પગમાં ફોડલા થવાની સાથે જે જગ્યાએ જીવાત કરડી હોય ત્યાં રસી થવા, ચિહ્નો જોવા મળ્યા છે.
રાત્રે સૂતા સમયે મચ્છર દાનીનો ઉપયોગ કરવાની સૂચના
આ સાથે ઝેરી જીવાત કરડવાથી કિડનીમાં અસર થતી જોવા મળે છે, જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઝેરી જીવાત કરડવાની બીમારી લાગુ પડતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા છે, જ્યારે ગ્રામજનોએ પણ પાણીનો ભરાવ, કચરાના ઉકરડાથી તેમજ રાત્રે સૂતા સમયે મચ્છર દાનીનો ઉપયોગ કરવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવા સાથે સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે. જામકંડોરણા ધોળીધાર ગામે તેમજ જેતપુર તાલુકાના ઉમરાળી ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ, ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દર્દીઓની રસીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલશે
ઝેરી જીવ જંતુ કરડવા બાબતે આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર સાથે વાતમાં જાણવા મળ્યું હતું કે જ્યારે પણ કોઈને આ જીવજંતુ કરડે છે, તે કોઈને ખ્યાલ હોતો નથી, તેમજ કયા પ્રકારનું જંતુ કરડયું તે પણ ખબર હોતી નથી, જ્યારે સવારે ઉઠે તો પગમાં સોજો આવી જાય છે અને ફોડલા પડવા જેવું દેખાવા લાગે છે. હાલ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાની માહિતી મળી રહી છે. આરોગ્ય વિભાગ દર્દીઓની રસીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલશે, જેમાં કેવા પ્રકારના જંતુ જોવા મળે છે તે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાય, ઉમરાળી ગામે એક કેસ સામે આવતા ફોગિંગ, દવા છંટકાવ સહિતની કામગીરી અત્યારે ચાલુ છે. સાથે સ્વચ્છતા રાખવાની પણ કામગીરી ગામમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી જીવજંતુ કરડવા ના બનાવો બનતા હાલ તો ગામમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી પગલા ભરવાની કામગીરી શરૂ કરાઈ છે.