ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે.50 ટકા ટેરિફને કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે. આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થયું છે. રત્ન કલાકારોમાં નેગેટીવ ઈફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે. આ ઉપરાંત તેની અસર રાજકોટમાં પણ જોવા મળી શકે છે. જ્વેલરીની નિકાસ કરનારા એકમોમાં અસર જોવા મળશે.
ટેરિફની અસર જ્વેલરીની નિકાસ પર થઈ શકે છે
અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર રાજકોટમાં જોવા મળશે. રાજકોટ ભારતભરમાં જ્વેલરી મેન્યુફેક્ચરનું હબ ગણાય છે. અમેરિકા 10 ટકા જ્વેલરી ભારતમાંથી ખરીદે છે. હવે અમેરિકાએ લગાવેલા ટેરિફની અસર જ્વેલરીની નિકાસ પર થઈ શકે છે. આ અસરને કારણે જ્વેલરી સાથે સંકળાયેલા કારીગરો બેરોજગાર બનશે. આ અંગે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે તમામ વેપારીઓ સરકારની સાથે છીએ.ભારતે કરાર કરેલા છે ત્યાં નિકાસ કરીશું.
નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થશે
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટથી ગોલ્ડ, રોઝ ગોલ્ડ,એન્ટિક, ડાયમંડ સહિતની જ્વેલરીની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હવે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે તેની અસર વર્તાશે. જેથી અમેરિકા સાથે ટેરીફની વાતો નિષ્ફળ જાય તો અન્ય દેશોમાં નિકાસ કરવાનું વિચારીશું. અમે ભારતે યુકે, યુએઈ,સહિતના દેશ સાથે કરાર કરેલા છે ત્યાં નિકાસ કરીશું.આ ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર વર્તાશે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થશે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, અમેરિકાનો ટેરિફ વધતાં 25 લાખ રત્ન કલાકારોને અસર થશે.જેથી સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે.