ગુજરાતના મોટા શહેરોમાં આગામી આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટની અમલવારી માટે ટ્રાફિક અને પોલીસ તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી ટૂ વ્હિલરચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને હેલ્મેટની અમલવારી થાય તે પહેલા પૂર્વ મંત્રીએ પત્ર લખી હેલ્મેટમાંથી મુક્તિ આપવા માગ કરી છે.
હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવા માગ
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે રાજકોટ સહિતના નાના શહેરોમાં ટુવ્હિલર ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવા માગ કરી છે. રાજકોટ શહેરમાં હેલ્મેટની અમલવારી સામે વિરોધ શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવા માગ કરી છે.












