ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે પાક નુકસાની માટે સરવેની કામગીરી શરૂ કરી છે પણ તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. માવઠાએ ખેતરમાં ઉભા પાકને નષ્ટ કરી દેતા ખેડૂત લાચાર બન્યો છે. રાજ્યમાં હાલમાં ખેડૂતોની હાલત ખૂબજ દયનીય બની છે. રાજ્ય સરકારે પણ ઝડપથી રાહત પેકેજ જાહેર કરવાની ખાતરી આપી છે. ત્યારે રોષે ભરાયેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો
રાજકોટના જસદણમાં પાક નષ્ટ થઈ જતાં એક ખેડૂત લાચાર બન્યો છે. લીલાપુરમાં ખેડૂતે વાવેલા ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થતાં તે રોષે ભરાયો હતો. તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. વીડિયોમાં તે એવું કહેતો સંભળાય છે કે, નેતાઓના દીકરાઓને ગામમાં આવવું ભારે પડી જશે. ચૂંટણી આવે એટલે કલાકારો પડકારા મારે છે પણ ખેડૂતો માટે એક શબ્દ નથી બોલતા. જો હવે ખેડૂતોને સહાય નહીં મળે તો નેપાળ વાળી થશે. ખેડૂતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.













