રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામમાં ગયા વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતરે જવાનો કોઝવે તૂટી ગયો હતો. આ અંગે ખેડૂતોએ સરકારી તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. છેવટે ખેડૂતો આત્મનિર્ભરનું સૂત્ર અપનાવી ફાળો એકત્ર કરી આઠ દિવસનું શ્રમદાન કરી સિમેન્ટ કોન્ક્રીટનો કોઝવે તૈયાર કર્યો. અને છાતી ઠોકીને દાવો કર્યો કે હવે ગમે તેટલુ વાવાઝોડા પુર આવે તોય પુલની કાંકરી પણ નહીં હલે કેમકે, આ કોઝવે સરકારે બનાવેલ નથી પરંતુ ખેડૂતોએ બનાવેલ છે.


કોઝવેનો ખેડૂત ખેતરે જવા ઉપયોગ કરતા હતા

દેશમાં પુલ ધરાશયી થયાના સમાચાર સાંભળતા જ રહીએ છીએ. એટલે કે ભ્રષ્ટાચારની પરાકાષ્ટા જ એટલી હદે થઈ ગઈ છે કે કરોડો રૂપિયાનો પુલ ધરાશાયી થયો હોય અસંખ્ય લોકો મરણ ગયા હોય તો જ સરકાર ધ્યાનમાં લે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અને તેમાંય ખેડૂતોને ખેતરે જવાના કોઝવે તૂટી ગયા હોય તો કોણ ધ્યાને લ્યે. આવો જ એક જેતપુર તાલુકાના પ્રેમગઢથી જાંબુડી ગામે જવાનો વખતનો કોઝવે આવેલ હતો. બાદમાં પ્રેમગઢથી જાંબુડી જવાનો નવો ધોરી માર્ગ બની જતા હવે આ કોઝવે ખેડૂતો ખેતરે જવા માટે ઉપયોગમાં લેતા હતા.

સરકારે વાયદા આપ્યા પણ કોઝવે ના બન્યો

જેમાં પ્રેમગઢ ગામની 30 થી 35 જેટલા ખેડૂતોની 500 વીઘા જેટલી ખેત જમીન પર અહીંથી જ અવરજવર થતી. પરંતુ કોઝવે એટલી હદે ધોવાઈ ગયો કે ખેડૂતો તેના પર પગપાળા પણ ચાલી શકે તેમ ન હતા એટલે બદલ ગાડું, ટ્રેકટર કે મોટર સાયકલ લઈને જવાનો તો સવાલ જ ન રહ્યો. ખેતરે જવા માટે આટઆટલી મુશ્કેલીની ખેડૂતોએ ટીડીઓને કોઝવે બનાવી આપવા રજુઆત કરી અને ટીડીઓ પણ માર્ગ અને મકાન પંચાયત વિભાગને રજુઆત કરી પરંતુ હંમેશા બને છે તે ફક્ત વાયદા પરંતુ કોઝવે ન બન્યો.

ખેડૂતોના સ્વખર્ચે બન્યો કોઝવે

ખેડૂતો હવે સરકારી તંત્રને રજૂઆત કરીને થાકી ગયા એટલે જાત મહેનત ઝીંદાબાદનો સૂત્ર અપનાવ્યું અને આ કોઝવેનો ઉપયોગ કરતા ખેડૂતો એકઠાં થયા યથાયોગ્ય ફાળો એકત્રિત કર્યો. અને સરકારી મશીનરીનો ઉપયોગ વગર સિમેન્ટ, કોન્ક્રીટ અને રેતી વેચાતી ખરીદી જાતે જ શ્રમદાન કરવાનો નિર્ણય લઈ આઠ દિવસ સુધી મજૂરી કરી 3500 ફૂટનો કોઝવે તૈયાર કરી નાખ્યો. અને કોઝવે તૈયાર થઈ ગયા બાદ લોડિંગ હેવી વાહનો તેના પર ચલાવી ટેસ્ટીંગ પણ કર્યું અને હવે ખોંખારો ખાય છાતી ઠોકીને દાવો થોક્યો કે હવે આ ગમે તેટલા પુર, વાવાઝોડા આવે તો પણ આ કોઝવેની એક કાંકરી પણ નહી ખરે, કેમકે આ કોઝવે સરકારે નહિ પરંતુ ખેડૂતોએ બનાવ્યો છે.


  • Follow us on: