રાજકોટના અત્યાધુનિક બસપોર્ટમાં લાલિયાવાડી ચાલી રહી હોય તેવી જાણકારી મળી રહી છે. બસના રૂટ અને સમય દર્શાવતી LED ડિસ્પ્લે એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે. LED ડિસ્પ્લે બંધ રહેતા મુસાફરોને બસના રૂટ અને સમય જાણવામાં ભારે હાલાકી પડી રહી છે. મેન્ટેનન્સ માટે ખાનગી એજન્સીને લાખો રુપિયા અપાય છે. 156 કરોડના ખર્ચે બસપોર્ટ બનાવવામાં આવ્યું હતું. બસપોર્ટમાં સુવિધાઓને લઇ લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


156 કરોડના ખર્ચે બસપોર્ટ બનાવવામાં આવ્યું

રાજકોટના અત્યાધુનિક બસપોર્ટમાં લાલિયાવાડી ચાલી રહી છે. મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા મળે તે માટે 156 કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ બનાવવામાં આવ્યું હતું. બસનો રૂટ, સમય અને પ્લેટફોર્મ નંબર દર્શાવતી એલઇડી ડિસ્પ્લે છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે. જેને લઈને કયા પ્લેટફોર્મ ઉપર બસ આવશે તે જાણવામાં મુશ્કેલી પડી રહી છે અને એલઇડી ડિસ્પ્લે બંધ હોવાથી મુસાફરોને બસ સમયે દોડાદોડી કરવી પડે છે. કઈ બસ ક્યા પ્લેટફોર્મમાં આવશે તે ડિસ્પ્લે બંધ હોવાથી ખ્યાલ આવતો જ નથી. બસપોર્ટ પર લગાવવામાં આવેલી 22માંથી બે ડિસ્પ્લે તો ગાયબ જ થઈ ગઈ છે. આ સરકારી પ્રોપટીનું મેન્ટેનન્સ તો કરવામાં આવતું તો નથી પરંતુ તેનું ધ્યાન પણ રાખવામાં આવતુ નથી.

બસપોર્ટનું યોગ્ય મેન્ટેનન્સ થાય તેવી લોકોની માગ

બસપોર્ટનું યોગ્ય મેન્ટેનન્સ થાય તે માટે ખાનગી એજન્સીને વર્ષે લાખો રૂપિયા આપવામાં આવે છે. તેમ છતાં બસપોર્ટની છતમાંથી પાણી ટપકે છે. એલઇડી ડિસ્પ્લે સહિતની સુવિધાઓ ચાલુ નહીં થાય તો આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. જે બાબતે બસપોર્ટના ડિવિઝન કંટ્રોલરે જણાવ્યું હતું કે, એલઇડી ડિસ્પ્લે મેન્ટેનન્સમાં હોવાથી બંધ છે. અને છતમાંથી પાણી ટપકી રહ્યું છે તે બદલ એજન્સીને દંડ ફટકારવામાં આવશે. તેમ કહી ને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે.


  • Follow us on: