મારવાડી યુનિવર્સિટી ભારતની ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેણે પોતાના ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને રિસર્ચ સેન્ટર (MUIIR) મારફતે 750 કરતાં વધુ પેટન્ટ નોંધાવી છે.માર્ચ 2025 સુધીના સમયગાળામાં આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.જેમાંથી માત્ર ગયા શૈક્ષણિક વર્ષ દરમ્યાન 550 કરતાં વધુ પેટન્ટ ફાઇલ કરાઈ છે. આ પ્રગતિના પરિણામ સ્વરૂપે યુનિવર્સિટી દેશમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સર્જનક્ષમ અગ્રણી સંસ્થાઓમાં સ્થાન પામી છે.આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા ઉદ્યોગ ભાગીદારોને સમાવિષ્ટ કરતા 800થી વધુ નવા વિદ્વાનોનો સહયોગ રહ્યો છે.
યુનિવર્સિટીની આ પેટન્ટ્સ વિવિધ ક્ષેત્રોને આવરી લે છે
યુનિવર્સિટીની આ પેટન્ટ્સ વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. જે વૈશ્વિક અગ્રતા ધરાવતી સમસ્યાઓ તથા પ્રાદેશિક જરૂરિયાતો બંનેને ઉકેલવા માટે સંકળાયેલી છે.આ શોધો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (UN SDGs) સાથે સંકળાયેલા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. જેમાં આરોગ્ય અને કલ્યાણ, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ,જળવાયુ ક્રિયા અને ઔદ્યોગિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. રોગોની વહેલી તકે ઓળખ માટેના ઉપકરણો, આરોગ્ય સિસ્ટમો, બાયોડિગ્રેડેબલ સેનિટરી ઉત્પાદનો, બાયોપ્લાસ્ટિક રિસાયકલિંગ ટેકનોલોજી અને અદ્યતન તબીબી ઉપકરણો આ પરિક્ષણમાં સામેલ છે.
સંશોધન પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે કાર્યરત
મારવાડી યુનિવર્સિટી તેના પ્રયાસો દ્વારા ગુણવત્તાના ધોરણોને નવી ઊંચાઈ આપી રહી છે અને બુદ્ધિ સંપત્તિ હક્કોના ક્ષેત્રમાં ગુજરાતની સ્થિતીને વધુ મજબૂત બનાવી રહી છે. આ દિશામા તેના ઉલ્લેખનીય પ્રયાસોને પગલે આશા રાખવામાં આવી રહી છે કે વર્ષ 2024-25 માટે ભારતની ટોચની 10 પેટન્ટ નોંધાવનારી યુનિવર્સિટીઓમાં મારવાડી યુનિવર્સિટીનું સ્થાન રહેશે. આ સિદ્ધિઓ યુનિવર્સિટીની તીવ્ર પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. જે વિદ્યાર્થીઓને મજબૂત આધાર પૂરો પાડવા અને પ્રોત્સાહન આપતી સંશોધન પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે કાર્યરત છે.
દેશને વધુ સશક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે
આ સિદ્ધિ અંગે વાત કરતાં મારવાડી યુનિવર્સિટી રાજકોટના વાઈસ ચાન્સેલર ડો.સંજીત સિંહએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ અમારા ઈનોવેટરની પ્રતિબદ્ધતા અને યોગદાનનું પ્રતિબિંબ છે. જેના દ્વારા મારવાડી યુનિવર્સિટી જ્ઞાન અને સર્જનાત્મકતાનું કેન્દ્ર બની રહી છે. વૈશ્વિક તથા ઔદ્યોગિક સમસ્યાઓના ઉકેલ માટે નવીન ઉકેલો ઊભા કરીને અમે દેશની વિકાસ ગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગીએ છીએ.યુનિવર્સિટી સતત સ્થાનિક ઉદ્યોગો, સંસ્થાઓ અને ઈનોવેટર્સને ટેકો આપી રહી છે તથા તેમને પોતાના ઈનોવેશનની નોંધણી કરવા અને દેશને વધુ સશક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.