રાજકોટમાં રખડતાં શ્વાનોએ હાહાકાર મચાવ્યો છે. મળેલી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં 14106 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા છે. સુપ્રીમ કોર્ટની ટકોર પછી પણ કોર્પોરેશન રખડતા શ્વાનની સમસ્યાને હલ કરી શક્યું નથી.


રાજકોટ શહેરમાં 14,106 લોકો શ્વાનના હુમલાનું ભોગ બન્યા

શહેરમાં રખડતા શ્વાનોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, રાજકોટ શહેરમાં એવરેજ 46 લોકો દરરોજ શ્વાનના બચકાંના શિકાર બને છે. છેલ્લા 10 મહિનાના આંકડા જોવામાં આવે તો, રાજકોટ શહેરમાં 14,106 લોકો શ્વાનના હુમલાનું ભોગ બન્યા, જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ 8,242 લોકોને બચકા ભરવાના કેસ નોંધાયા છે.

છેલ્લા છ મહિના દરમિયાન ત્રણ બાળકોને શ્વાનોએ ફાડી ખાધા

વિશેષ ચિંતાનો વિષય છે કે છેલ્લા છ મહિના દરમિયાન ત્રણ બાળકોને શ્વાનોએ ફાડી ખાધા છે, જેનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત કોટડા, સાંગાણી, ધોરાજી, જેતપુર, લોધિકા અને રાજકોટ તાલુકામાં રોજના સરેરાશ 22 શ્વાન હુમલાના કેસો નોંધાયા છે.

 શ્વાન પકડવા માટે 2.70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત

રાજકોટ કોર્પોરેશન દ્વારા શ્વાન પકડવા માટે 2.70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ભય જોવા મળે છે. રખડતા શ્વાનોની સમસ્યા માટે કોર્પોરેશન ઝડપથી કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી છે.


  • Follow us on: